ખેડા જિલ્લાના મંદિરોમાં સવારથી ભક્તોનું ઘોડાપૂર, શિવલિંગ પર જળ-બિલીપત્ર અર્પણ
પવિત્ર શ્રાવણ માસનો આજે શુક્રવારથી પ્રારંભ થયો છે. શિવભક્તો વહેલી સવારથી જ શિવાલયોમાં ઉમટ્યા છે. ભક્તો દ્વારા શિવલીંગ પર દૂધ, જળ અને બીલીપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. નડિયાદ શહેરમાં 100થી વધુ નાના-મોટા શિવ મંદિરો આવેલા છે. અહીં સવારથી જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. નડિયાદમાં આવેલ અતિપ્રાચીન મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે.
આ ઉપરાંત કોલેજ રોડ પર આવેલ ચંદ્રમોલેશ્વર, ખેતા તળાવ પાસે આવેલ મહાદેવ, રણ મુકેતેશ્વર મહાદેવ, પશ્ચિમ વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવ અને નિલકંઠ મહાદેવ મંદિર સહિત અન્ય શિવાલયોમાં પણ ભક્તો ઉમટ્યા છે.
આસ્થાના પ્રતિક સમા નડિયાદમાં આવેલ માઈ મંદિરમાં ભગવાન મહાદેવની 73 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા છે. આ શિવાલય કલ્યાણધામ તરીકે ઓળખાય છે. અહીં વિશાળ શિવ પ્રતિમાના ગર્ભમાં દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન થાય છે. મહાશિવરાત્રી તેમજ શ્રાવણ માસમાં દર વર્ષે વિશેષ પૂજા અર્ચના થાય છે.
જિલ્લાના કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, માતર, મહુધા, ઠાસરા અને ગળતેશ્વર સહિત અન્ય સ્થળોએ આવેલા શિવાલયોમાં પણ વહેલી સવારથી ભારે ભીડ જામી છે. ગળતેશ્વર મહિસાગર નદી કાઠે આવેલ શિવ મંદિર, ખેડ શંકરાચાર્ય નગરમાં તેમજ પીજ ખાતે આવેલ પૌરાણિક શિવ મંદિરોમાં પણ ભક્તોએ પૂજન કરી ધન્યતા અનુભવી છે. વડતાલ ધામમાં આજથી 30 દિવસ સુધી શણગાર આરતી બાદથી બપોર 12 વાગ્યા સુધી મંદિર પરિસર જનમંગલ સ્તોત્રના પાઠથી ગુંજી ઉઠશે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવની આરાધનામાં તરબોળ રહેશે.