Advertisement

ખડાણા ગામે થયેલ અંધ હત્યાકાંડનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

ખડાણા ગામે થયેલ અંધ હત્યાકાંડનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

એલ.સી.બી. આણંદ અને પેટલાદ રૂરલ પોલીસની સંયુક્ત કામગીરીથી આરોપી ઝડપાયો


પેટલાદ તાલુકાના ખડાણા ગામે બનેલ એક ગંભીર અને અંધ હત્યાકાંડનો ભેદ એલ.સી.બી. આણંદ તથા પેટલાદ રૂરલ પોલીસની સંયુક્ત ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી લીધો છે.


તા. ૦૨/૦૨/૨૦૨૬ના રોજ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન હદના ખડાણા ગામે રહેતા બાબુભાઈ આશાભાઈ પરમાર (ઉ.વ. ૪૫, મૂળ રહેવાસી કાણીસા, તા. ખંભાત)ની વહેલી સવારના ૬ વાગ્યા પહેલા કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા મારી તથા ગુપ્તાંગ કાપી નાંખી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ અંગે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નં. ૧૧૨૧૫૦૨૦૨૬૦૦૩૫, બી.એન.એસ. કલમ ૧૦૩(૧) મુજબ ગુનો નોંધાયો હતો.


આ ગંભીર ગુનાની તપાસ માટે પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક આણંદ જી.જી. જસાણી દ્વારા એલ.સી.બી. આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને એલ.સી.બી. તથા પેટલાદ રૂરલ પોલીસની અલગ અલગ ટીમો રચી કાઈમ સીનની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.


તપાસ દરમિયાન મળેલ હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખડાણા ગામે રહેતા રામાભાઈ મહિજીભાઈ પરમાર ઉપર શંકા જતા તેને રાઉન્ડઅપ કરી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપી ભાંગી પડ્યો હતો અને પોતે જ આ ગુનો કર્યાની કબૂલાત કરી હતી.


આરોપીએ જણાવ્યું હતું કે મૃતક બાબુભાઈ તેના માસા-માસીના દીકરા થતા અને છેલ્લા ઘણા સમયથી તેના ઘરે રહેતા હતા. વ્યસનના કારણે બાબુભાઈ અવારનવાર ઝગડા કરતા તેમજ આરોપીની માતા સૂતા હોય તે ખાટલા પાસે અશ્લીલ હરકતો કરતા હતા. અગાઉ પણ ચેતવણી આપવા છતાં આ વર્તન ચાલુ રહેતા, ઘટનાના દિવસે વહેલી સવારના પાંચ વાગ્યે ફરી આવું કરતા જોતા ગુસ્સામાં આવી ચપ્પાથી ગળાના ભાગે ઘા મારી તથા ગુપ્તાંગ કાપી નાંખી હત્યા કરી હોવાનું આરોપીએ કબૂલ્યું હતું.


આરોપીને વધુ તપાસ અર્થે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ સમગ્ર કાર્યવાહીથી એલ.સી.બી. આણંદ તથા પેટલાદ રૂરલ પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

Advertisement