Advertisement

ખંભાત: ઝાટકા મશીનના કરંટથી 17 વર્ષીય કિશોર ઈજાગ્રસ્ત

ખંભાત: ઝાટકા મશીનના કરંટથી 17 વર્ષીય કિશોર ઈજાગ્રસ્ત

ખંભાત: ખંભાત નજીકના શકરપુર ગામમાં એક ખેતરમાં ઝાટકા મશીનનો કરંટ લાગતા 17 વર્ષીય કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સમયસર સારવાર મળતા તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શકરપુર ગામના રણજીતભાઈ પરમારનો 17 વર્ષીય પુત્ર ચેતન પરમાર આજે વહેલી સવારે ખેતર પર હતો. રાત્રિ દરમિયાન કોઈ જાનવર ઝાટકા મશીનની ફેન્સિંગ સાથે અથડાતા તાર તૂટી ગયા હતા.

ચેતન જ્યારે ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તે તૂટેલા અને જીવંત વીજ પ્રવાહ ધરાવતા તારના સંપર્કમાં આવી ગયો હતો. જોરદાર વીજ કરંટ લાગવાને કારણે કિશોર સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ચેતનને તાત્કાલિક ખંભાતની કાર્ડિયાક કેર સેન્ટર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબો દ્વારા તરત જ સારવાર શરૂ કરવામાં આવી હતી.

હોસ્પિટલના સૂત્રો અને પરિવારજનોના જણાવ્યા અનુસાર, સમયસર તબીબી સહાય મળી જવાથી ચેતનની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. હાલ તેની હાલત ભયમુક્ત છે, પરંતુ તબીબો દ્વારા હજુ પણ તેની સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, ખેતરોમાં ઝાટકા મશીન લગાવતા ખેડૂતોએ મશીનની ગુણવત્તા અને તેની સલામતીના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે, જેથી આવી અણધારી દુર્ઘટનાઓ ટાળી શકાય.

Advertisement