કરમસદ-આણંદ મહાનગરપાલિકા નામે ભાજપમાં તણાવનો માહોલ
આણંદ : આણંદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ત્રિભૂવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ સહિતના બે દિવસના કાર્યક્રમોમાં હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમ બાદ આણંદ મનપાને કરમસદ- આણંદ મહાનગરપાલિકા નામ જાહેર કરવા માટે સ્થાનિક ભાજપના ધારાસભ્ય અને નેતાઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મનપાના નામાભિધાનને લઇ સરકારે હકારત્મક અભિગમ દાખવતા હવે આણંદના ધારાસભ્યો અને નેતાઓની જશ લેવા માટે હોડ જામી છે. જેને લઇ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે.
સરકારે હકારત્મક અભિગમ દાખવતા હવે ધારાસભ્યો અને નેતાઓની જશ લેવા હોડ જામી, સોશિયલ મીડિયામાં મેસેજો વાઇરલ
ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની આણંદની બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓએ ત્રિભોવનદાસ પટેલની સાથે સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા બાદ અચાનક જ આણંદના ભાજપી ધારાસભ્યો સહિતના નેતાઓને સરદાર સાહેબ યાદ આવ્યા છે. કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સમયે દૂર રહી તમાશો નિહાળતા આણંદના ભાજપી નેતાઓને અચાનક બ્રહ્મજ્ઞાાન લાધ્યું હોય તેમ હવે આણંદ મહાનગરપાલિકા સાથે કરમસદના નામને જોડી કરમસદ આણંદ મહાનગરપાલિકા નામ જાહેર કરવા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
છેલ્લા એક દશકથી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદને વિશેષ દરજ્જો આપવાની માંગ ઉઠી હતી અને આંદોલન પણ થયું હતું. ત્યારબાદ ગત જાન્યુઆરી માસમાં રાજ્ય સરકાર દ્વારા આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતા કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા વિવાદ ઉઠયો હતો. સ્થાનિક સ્તરેથી વિરોધ પ્રદર્શન ઊઠવા સાથે સરદાર પટેલનું નામ અથવા કરમસદ ગામનું નામ મહાનગરપાલિકા સાથે જોડવાની માંગ સરદાર પટેલ સંકલ્પ સન્માન આંદોલન સમિતિ દ્વારા કરવામાં આવી હતી. જોકે, કરમસદને વિશિષ્ટ દરજજો આપવાની માંગ યેનકેન પ્રકારે ટાળવામાં આવતા ગત સપ્તાહે ગાંધીનગર ખાતે એક બેઠક મળી હતી. જેમાં કરમસદને વિશેષ દરજજો અને સરદારધામ જાહેર કરવાની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે આણંદ ભાજપના નેતાઓને પોતાના હાથમાંથી જશ સરકી જશે તેમ લાગતા અચાનક જ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના સ્થાનિક ભાજપી નેતાઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને આણંદ મહાનગરપાલિકા સાથે કરમસદનું નામ જોડી કરમસદ આણંદ મહાનગરપાલિકા નામ જાહેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો હોવાને લઈ સ્થાનિક ભાજપના નેતાઓમાં આ જશ ખાટવા માટે રીતસરની હોડ લાગી હોય તેમ એક બાદ એક ભાજપના કેટલાક અગ્રણીઓ દ્વારા અલગ અલગ ગુ્રપમાં પોતાના નામના મેસેજ વહેતા કરવામાં આવ્યા હતા.