કરમસદ-આણંદ મનપાનો માસ્ટર પ્લાન: બાકરોલ તળાવે બનશે ‘મિની કાંકરિયા’
કરમસદ-આણંદ મનપા દ્વારા શહેરની ઓળખ ઊભી કરવા મોટા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. માર્ગો પર ઊભી રહેતી ખાણીપીણી લારીઓને વિકલ્પ આપવા માટે બાકરોલ ગોયા તળાવ પાસે રૂ.4 કરોડથી વધુના ખર્ચે આધુનિક ફૂડ ઝોન તૈયાર થવા જઈ રહ્યો છે.
તળાવ કિનારે રોડને અડી આવેલી ખુલ્લી જગ્યામાં 20થી વધુ કન્ટેનર ટાઇપ સ્ટોલ મૂકીને ફૂડ ઝોનનું કામ અંતિમ તબક્કામાં છે. આગામી બે મહિનામાં નગરજનો તથા વડતાલ તરફ જતા યાત્રિકો માટે આ ફૂડ ઝોન ખુલ્લો મુકવામાં આવશે.
મનપા સંચાલિત આ ફૂડ ઝોનમાં વેપારીઓને નિયમિત રીતે સ્ટોલ ફાળવાશે, જેથી નગરજનોને સસ્તી અને ગુણવત્તાયુક્ત ખાણીપીણી મળશે અને શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર થશે.
આ સાથે બાકરોલ તળાવનું સંપૂર્ણ બ્યુટીફિકેશન કરીને ‘મિની કાંકરિયા’નો લુક અપાશે. તળાવની ફરતે LED સ્ટ્રીટ લાઇટ, વોકવે, બેઠક વ્યવસ્થા, શુદ્ધ પીવાનું પાણી અને રમતગમતના સાધનો મૂકવામાં આવશે.
નગરજનોની માંગ છે કે મનપા દ્વારા શહેરમાં ફૂડ ઝોન, ફ્રૂટ ઝોન અને વેન્ડર ઝોન વધુ વિસ્તૃત કરવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા ઘટે અને શહેર સુવ્યવસ્થિત બને.