Advertisement

કઠલાલ પાલિકાના પૂર્વ પ્રમુખનો મૃતદેહ લેવા ગયેલા પરિવારજનોને મૃતદેહ વગર પરત ફરવું પડયું

કઠલાલ પાલિકાના પૂર્વ પ્રમુખનો મૃતદેહ લેવા ગયેલા પરિવારજનોને મૃતદેહ વગર પરત ફરવું પડયું

કઠલાલ : અમદાવાદના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા કઠલાલ પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલનો મૃતદેહ લેવા ગયેલા પરિવારજનોને મૃતદેહ વગર પરત ફરવું પડયું હતું. ડીએનએ મેચ ન થવાનું કહી પુત્રનો ફરી ડીએનએ ટેસ્ટ લેવાયો હતો. કઠલાલમાં અંતિમવિધિની તૈયારી કરીને બેઠેલા સ્વજનોને ગમતિની સાથે પોતાના ઘરે પરત જવું પડયું હતું.

અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ મુસાફરોની ઓળખ માટે તેઓના પરિવારજનોના ડીએનએ ટેસ્ટનો ઉપયોગ કરી સ્વજનની ઓળખ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રશાંત દિલીપભાઈ પટેલ પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. ગુરૂવારના રોજ મોડી રાત્રે પુત્ર કૃષ્ણ દ્વારા તેનો ડીએનએ ટેસ્ટ આપવામાં આવ્યો હતો. ડીએનએ ટેસ્ટ મેચ થયા બાદ મૃતદેહ આપવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. કઠલાલમાં તેઓના નિવાસ સ્થાને સ્વજન, મિત્રો, સ્નેહીઓ અને પરિવારજનો મૃતદેહ મળે તો અંતિમવિધિ કરવા માટેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે શનિવારે બપોરના સમયે તેઓને જાણ કરવામાં આવી કે ડીએનએ ટેસ્ટ મેચ થયો છે અને મૃતક પ્રશાંતભાઈનો મૃતદેહ પરિવારજનોને આપવામાં આવશે. તંત્રની વ્યવસ્થા અનુસાર પ્રશાંતભાઈના પુત્ર તથા ભાઈ અધિકારીઓ સાથે એમ્બ્યૂલન્સમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ લેવા ગયા હતા. ત્યારે જણાવ્યું કે, તેઓનો ડીએનએ મેચ થતો નથી. આજે પુત્ર કૃષ્ણનો ફરીથી ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યો છે. કઠલાલમાં અંતિમવિધિ માટે તૈયારી કર્યા પછી એકાએક આવી ખબર પડતા આવેલા સ્વજનો, મિત્રો સહિત લોકો ગમગિની સાથે પરત ફર્યા હતા.

Advertisement