કચ્છમાં 15 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત: અનેક રસ્તા અને શાળા-કોલેજો બંધ
ગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલથી રાપરમાં અત્યાર સુધીમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભચાઉ અને નખત્રાણા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. કલેકટર અને DDOની સૂચના મુજબ અતિભારે વરસાદના કારણે સોમવારે (આઠમી સપ્ટેમ્બર) કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે અને બાળકો માટે રજા જાહેર કરવામાં આવી છે.
રાપરમાં 12.48 ઈંચ ખાબક્યો
કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઈંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ત્યારબાદ આજે સવારના 4 કલાકમાં ફરી સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે શાળા-કોલેજો અને અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. અંજારના ટપ્પર ડેમ 80 ટકા પાણીથી ભરાઈ જતા પશુડા તથા આસપાસના ગામોને ઍલર્ટ કરાયા છે.
ભૂજ અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભૂજના જ્યુબલી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે, તો અનેક માર્ગો પરથી પાણી વહી રહ્યા છે. શહેરનું હૃદય સમૂહ હંમેશા તળાવ ઓવરફ્લો થવાને માત્ર બેથી ત્રણ ફૂટ દૂર રહેવા પામ્યું છે. બીજી તરફ ભૂજમાં વહેલી સવારથી વીજ પ્રવાહ ખોરવાયો છે.
આ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા
કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. રાપર તાલુકાના ત્રંબો જેસડા રવ રવેચી રોડ, ભચાઉ રામવાવ રાપર રોડ,સુવઈ ગવરીપર રોડ, ભચાઉ તાલુકના વામકા લખાવટ કરમરિયા રોડ, ગાંધીધામ તાલુકાના સતાપર અજાપર મોડવદર મીઠી-રોહર રોડ અને ભુજના તુગા જૂણા રોડ બંધ કરાયો છે.
ભારે વરસાદથી કચ્છમાં નવ ડેમ ભરાયા
ભારે વરસાદથી કચ્છમાં જિલ્લાના કુલ 9 ડેમ સંપૂર્ણ ભરાયા છે. સુવઈ અને ફતેહગઢ ડેમ, બેરાચિયા, કંકાવટી અને મીઠી ડેમ, નિરોણા ડેમ, કાયલા ડેમ, કારાઘોઘા ડેમ અને ડોણ ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોના લોકોને ઍલર્ટ રહેવા સૂચના આપાઈ છે. આ ઉપરાંત મદદ માટે જિલ્લા કંટ્રોલ રૂમ (02832-250923/252347) સંપર્ક કરવા સૂચના આપાઈ છે.