ઓનલાઇન કામગીરી બંધ કરતાં 6 આશાવર્કર બહેનોને નોટીસ, વિવાદ ગરમાયો
આશાવર્કર બહેનો ઓનલાઇન કામગીરી બંધ કરી હડતાળ પર ઉતરેલી સિંહોલ પીએચસીની 6 આશાવર્કર બહેનોને છુટી કરી દેવામાં આવતાં રાજ્ય આશાવર્કર બહેનો એકત્ર તઇને જિલ્લા પંચાયત કચેરી ખાતે ઘસી જતાં પોલીસે મુખ્યગેટ બંધ કરી દેતા આશાવર્કર બહેનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી બહેનો પોલીસની હાય હાય બોલાવતાં મામલો ગરમાયો હતો.આખરે આશાવર્કર બહેનો ગેટ કુદીને જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આશાવર્કર બહેનો છેલ્લા ઘણા સમયેથી ઓનલાઇન કામગીરી બાબતે આંદોલન છેડયું છે. તેમ છતાં ઓનલાઇન કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.જેથી આખરે આણંદ જિલ્લાની આશાવર્કર બહેનોએ ઓનલાઇન કામગીરી બંધ કરી દીધી હતી. જેના પગલે સિંહોલ પીએચસીના ડોકટર દ્વારા ઓનલાઇન કામગીરી ન કરનાર 6 આશાવર્કર બહેનોને નોટીસ ફટકારીને છુટી કરવાનો આદેશ કરતાં સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડયા હતા.
રાજ્ય આશાવર્કર બહેનોએ તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો. જેના ભાગરૂપે રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો આણંદ ખાતે આવી કલેકટર કચેરી થી જિલ્લા પંચાયત સુધી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે આશાવર્કર બહેનો જિલ્લા પંચાયત પહોંચતા પોલીસે મુખ્ય ગેટ બંધ કરી દેતા ભારે હોબાળો મચાવતાં બંને ઘર્ષણ થયું હતું. આખરે આશાવર્કર બહેનો ગેટ કુદીને અંદર પ્રવેશીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. જેથી આરોગ્ય અધિકારીએ તમામ બહેનો છુટી કરવામાં આવી નથી તેમને પરત લઇ લેવાયાનું જણાવ્યું હતું. આશાવર્કર બહેનો જિલ્લા આરોગ્ય અધિકારી પાસે પહોચી રજૂઆત કરી હતી.