Advertisement

એક મહિનામાં ફરી ઝડપાયો! ચાઈનીઝ દોરીના વેપારનો પુનરાવર્તન

એક મહિનામાં ફરી ઝડપાયો! ચાઈનીઝ દોરીના વેપારનો પુનરાવર્તન

સામરખા ચોકડી સ્થિત જૂના ફ્રિજની આડમાં ગોડાઉનમાં સંગ્રહ કરી રાખેલી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે પોલીસે શખસને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 2.01 લાખની કિંમતની 672 નંગ ચાઈનીઝ ફિરકીઓ કબજે કરી હતી. નોંધનીય છે કે, એક મહિનામાં શખસ પુન: દોરીનો વેપલો કરતા ઝડપાયો છે. અગાઉ ગત 19મી નવેમ્બરના રોજ શખસને પોલીસે 240 નંગ ચાઈનીઝ ફિરકી સાથે દબોચ્યો હતો.

આણંદ પોલીસે એક શખસને ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. જેની સઘન પૂછપરછ કરતા શખસે વટાણાં વેરી દીધા હતા અને તે સામરખા ખાતે આવેલા સોમનાથ કોલ્ડ સ્ટોરેજ સ્થિત જૂના ફ્રિજનું વેચાણ કરતા રસિદશા મહેબુબશા દિવાન (રહે. વ્હોરા સોસાયટી, ભાલેજ ઓવરબ્રિજ) પાસેથી દોરી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેને પગલે પોલીસને ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

શખસ જૂના ફ્રિજની આડમાં ગેરકાયદે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો વેચાણ કરવા સારૂં રાખ્યો હતો. પોલીસે તેની ગણતરી કરતા 2.01 લાખની કિંમતનો 672 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા મળી આવ્યા હતા. અગાઉ ગત 19મી નવેમ્બરના રોજ પણ પોલીસે દરોડો પાડીને અંદાજિત 72 હજારની કિંમતની 240 નંગ ફિરકીઓ કબજે કરી હતી. આ અંગે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નાપાડ ગામેથી ચાઈનીઝ દોરીના ફિરકા સાથે બે શખસ ઝબ્બે

આણંદ ગ્રામ્ય પોલીસે નાપાડ ગામ સ્થિત બાબરી વિસ્તારમાંથી બાતમીના આધારે બાઈક પર ચાઈનીઝ દોરીનું વેચાણ કરવા જતા બે શખસોને ઝડપી લીધા હતા. પોલીસે બંનેના નામ-ઠામની પૂછપરછ કરતા નાપાડ વાંટાનો સમરાવાળા ફળીયામાં રહેતો 40 વર્ષીય જલાઉદૃીન સમશેર મલેક અને નાપાડા વાંટા સ્થિત ઓડવાળા ફળીયામાં રહેતો 33 વર્ષીય સલમાન બાબુ ઘડીયાળી મલેક હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી રૂપિયા 7500ની કિંમતની 25 નંગ ચાઈનીઝ ફિરકીઓ કબજે કરી પૂછપરછ કરતા ફિરકીઓ તે નાપાડ વાંટા પાસે રહેતા ફારૂક ઉર્ફે ફાલજી પાસેથી લાવ્યાની કબુલાત કરી હતી. આમ, પોલીસે ત્રણેય વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement