ઉમરેઠ પોલીસે બે કાર અને ચોરાયેલા ડીઝલ સાથે ચાર ઈસમને ઝડપ્યા
ઉમરેઠ પોલીસે જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાના અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વડોદરા-અમદાવાદ હાઇવે પર ટ્રકોમાંથી ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીનું ડીઝલ અને બે લક્ઝરી કાર સહિત કુલ રૂ. 8,79,500 /-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઉમરેઠ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન અ.હેડ.કોન્સ. રાકેશને બાતમી મળી હતી. બાતમી મુજબ, ચંદ્રપાલસિંહ ઉર્ફે ચંચુ ઉર્ફે કોયલો રાજેન્દ્રસિંહ સોઢાપરમારઅને અન્ય કેટલાક ઇસમો વડોદરા-અમદાવાદ હાઇવે પર પાર્ક કરેલી ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરીને ધૂળેટા કેનાલ થઈને જેશાપુરા તરફ જવાના હતા.
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને ચાર શંકાસ્પદ ઇસમોને બે ગાડીઓ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી સિલ્વર કલરની ક્રેટા ગાડી (GJ-06-LE-3109) અને સિલ્વર કલરની આઇ-20 ગાડી (GJ-16-CB-4876) કબજે કરી હતી.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 105 લિટર ડીઝલ (રૂ.9,450/-), ત્રણ મોબાઈલ ફોન (Apple iPhone-16, Oppo, Redmi) જેની કિંમત રૂ. 70,000 /- છે, અને ડીસમિસ નંગ-૦૨ તથા પાઇપ વગેરે સાધનો (રૂ. 50 /-)નો સમાવેશ થાય છે. કુલ મળીને રૂ. 8,79,500/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
ઝડપાયેલા ચારેય શકમંદ ઇસમો ઠાસરાના રહેવાસી છે. ચંદ્રપાલસિંહ ઉર્ફે ચંચુ ઉર્ફે કોયલો રાજેન્દ્રસિંહ સોઢાપરમાર, અરવીંદ ઉર્ફે ઢોલો કરણસિંહ ચાવડા , નિલેષકુમાર ઉર્ફે નીલીયો નિકુલસિંહ પરમારઅને રણજીત ઉર્ફે દેવો મુકેશકુમાર ચાવડા તરીકે થઈ છે. ઉમરેઠ પોલીસે તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.