Advertisement

ઉમરેઠમાં શાકભાજી લેવા ગયેલી મહિલાને વેપારીએ ધમકી આપી

ઉમરેઠમાં શાકભાજી લેવા ગયેલી મહિલાને વેપારીએ ધમકી આપી

ઉમરેઠમાં શાકભાજી લેવા ગયેલી મહિલાએ 50 રૂપિયાની કિલો તુવેર માંગતા જ વેપારીએ પિત્તો ગુમાવ્યો હતો અને મહિલાને ગમે તેમ અપશબ્દ બોલી ત્રાજવું લઈને મારવા ફરી વળ્યો હતો. આ અંગે મહિલાએ પતિને વાત કરતાં જ દંપતીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જ્યાં પોલીસે અજાણ્યા શાકભાજીના વેપારી વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠમાં નજીવી બાબતને લઈને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં મૂળ ઉમરેઠની અને હાલમાં અંકલેશ્વરમાં રહેતા 48 વર્ષીય વૈશાલીબેન જશવંતભાઈ પટેલ ગત 8મી ડિસેમ્બરે બપોરે પોણા બાર વાગ્યે ઉમરેઠ-ડાકોર રોડ પર આવેલી રજવાડી ચાની દુકાનની પાસે શાકભાજી લેવા ગયા હતા. જ્યાં શાકભાજીની લારી ઉભી હોય ત્યાં એક શાકભાજીની લારીમાં તુવેર જોતાં જ તેઓ લેવા પહોંચ્યા હતા.

જ્યાં તુવેરનો ભાવ પૂછતાં વેપારીએ 60 રૂપિયા કિલો કહ્યું હતું. પરંતુ વૈશાલીબેને 50 રૂપિયાનો ભાવ કહેતાં જ વેપારી ઉશ્કેરાયો હતો અને ગમે તેમ મહિલાને અપશબ્દ બોલ્યા હતા. મહિલાએ તેને ગમે તેમ ન બોલવાનું કહેતાં જ વેપારીએ ત્રાજવું ઉગામીને તું અહીંયાથી જતી રહે તેમ કહી તેની પાછળ મારવા ફરી વળ્યો હતો. જોકે, મહિલા તેના ઘરે જતી રહી હતી અને તેના પતિને સમગ્ર હકીકત જણાવી હતી. આખરે, દંપતી ઉમરેઠ પોલીસ સ્ટેશને આવ્યા હતા, જ્યાં પોલીસે અજાણ્યા શાકભાજીના વેપારી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેની ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Advertisement