Advertisement

ઈન્ડિગોનું સંકટ ઘેરાયું, સતત ચોથા દિવસે 500થી વધુ ફ્લાઈટ રદ, દિલ્હીથી તમામ ઉડાન કેન્સલ

ઈન્ડિગોનું સંકટ ઘેરાયું, સતત ચોથા દિવસે 500થી વધુ ફ્લાઈટ રદ, દિલ્હીથી તમામ ઉડાન કેન્સલ

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના સંચાલનમાં અવરોધ સતત ચોથા દિવસે પણ ચાલુ રહ્યો છે. મળતી માહિતી મુજબ, ઇન્ડિગોએ શુક્રવારે દિલ્હી સહિત દેશભરના અન્ય એરપોર્ટ પરથી ઓછામાં ઓછી 550 ફ્લાઇટ્સ રદ્દ કરી છે, જેના કારણે એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ છે.

ચાર દિવસમાં 1000થી વધુ ફ્લાઈટ રદ 

ઘણા મુસાફરોએ અસુવિધાની સાથે-સાથે સામાન ગુમ થવાની પણ ફરિયાદો કરી છે. આ પહેલા ગુરુવારે પણ 550 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી. કુલ મળીને, ચાર દિવસમાં 1000 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ થઈ ચૂકી છે.

મુસીબતનું કારણ: નવા FDTL નિયમો અને ક્રૂની અછત

ઇન્ડિગો તાજેતરમાં ચાલક દળ (ક્રૂ) ની મોટી અછતનો સામનો કરી રહ્યું છે. ફ્લાઇટ ડ્યૂટીની સીમા નક્કી કરનારા નવા FDTL (ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન) નિયમો લાગુ થયા બાદ એરલાઇન ક્રૂની તીવ્ર અછત અનુભવી રહી છે.

નવા FDTL નિયમોમાં થયેલા મુખ્ય ફેરફારો:

પાયલટો માટે સાપ્તાહિક આરામનો સમય 36 કલાકથી વધારીને 48 કલાક કરવામાં આવ્યો છે.

એક પાયલટ એક સપ્તાહમાં બેથી વધુ નાઇટ લેન્ડિંગ ન કરી શકે.

સતત બે નાઇટ ડ્યૂટી જ લગાવી શકાય છે.

આ નિયમોનો હેતુ ઉડાન સુરક્ષાને મજબૂત કરવાનો છે, પરંતુ મોટી સંખ્યામાં પાયલટ્સ ફરજિયાત આરામના સમયને કારણે ફ્લાઇટ લઈ જઈ શકતા નથી, જેનાથી સંચાલન ખોરવાયું છે.

ઇન્ડિગોની સ્પષ્ટતા અને માંગ

ઇન્ડિગોએ DGCA ને જણાવ્યું છે કે 8 ડિસેમ્બરથી વિમાનોનું સંચાલન ઘટાડવામાં આવશે અને 10 ફેબ્રુઆરીથી સંચાલન સ્થિર થવાની આશા છે. એરલાઇને DGCA પાસે FDTL ના નિયમો અને રાત્રિ સંચાલન સંબંધિત કેટલાક ફેરફારોમાં 10 ફેબ્રુઆરી સુધી છૂટની માંગ કરી છે.

ઈન્ડિગો એરલાઇને માફી માગી 

એરલાઇને મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માંગી છે અને જણાવ્યું છે કે સંચાલનને પાટા પર લાવવામાં સમય લાગશે. તેથી મુસાફરોને આગામી સમય માટે પણ તૈયાર રહેવા અને ઘરથી નીકળતા પહેલા પોતાની ફ્લાઇટનું શેડ્યૂલ ચોક્કસપણે તપાસી લેવા વિનંતી કરી છે.

કેન્દ્રીય મંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ ગુરુવારે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. તેમણે ઇન્ડિગોને ભાડું ન વધારવા અંગે પણ ચેતવણી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) અને DGCA ને પરિસ્થિતિ પર સતત નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે અને એરપોર્ટ્સ પર ફસાયેલા મુસાફરોને મદદ કરવાની ખાતરી આપી છે.

Advertisement