ઈદની ઉજવણી બાદ પાછા જઇ રહ્યા હતા, અમદાવાદના પરિવારના 4 સભ્યોના પ્લેન ક્રેશમાં મોત
અમદાવાદમાં ગુરૂવારે વિમાન દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં અમદાવાદના ખાનપુરનો એક આખોય પરિવાર મોતને ભેટ્યો હતો. મળતી માહિતી મુજબ, વિમાનમાં સવાર પરિવારના ચારેય સભ્યોનું દુર્ઘટનામાં મોત નિપજ્યું હતું. મૃતકોની ઓળખ ઇનાયત અલી સૈયદ, તેમની પત્ની નફીસાબાનુ સૈયદ, દીકરી તસ્કિનબાનુ સૈયદ અને ભત્રીજા વાકી અલી સૈયદ તરીકે થઈ છે. આ પરિવાર લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતો, જે ટેકઑફ પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી
એક જ પરિવારના ચાર લોકોના મોત
સંબંધીઓના જણાવ્યા મુજબ, ઇનાયત અલી સૈયદ બે દાયકાથી વધુ સમયથી યુનાઇટેડ કિંગડમમાં રહેતો હતો અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. પરિવાર લગભગ ત્રણ મહિના પહેલા ઈદની ઉજવણી કરવા અને વૃદ્ધ માતા સાથે સમય વિતાવવા માટે અમદાવાદ આવ્યો હતો. સંબંધી વારિસ હુસૈન સૈયદ અને અમીનસાબ સૈયદ પરિવાર સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમને વિદાય આપવા ગયા હતા. જોકે, વિમાન ટેકઑફ કર્યાના થોડી જ મિનિટોમાં મેઘાણી નગરમાં BJMC બોયઝ હોસ્ટેલ સાથે ક્રેશ થયું, જેમાં હોસ્ટેલમાં હાજર અનેક લોકોના મોત નિપજ્યા હતા.
ખાનપુરમાં શોકનો માહોલ
પરિવારના મોતથી પરિવાર અને ખાનપુર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. એક જ પરિવારના ચાર લોકોના એક સાથે મૃત્યુ થતા તમામ લોકો આઘાતમાં છે. ગુજરાત સરકારે શોકગ્રસ્ત પરિવારોને તમામ સહાયની ખાતરી આપી છે. હાલ, સિવિલ ખાતે મૃતદેહોને પરિવારને સોંપવા માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. DNA ટેસ્ટ મેચ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.