આસોદરમાં દિવ્યાંગજનો માટે સહાય કેમ્પ, પ્રમાણપત્રોનું વિતરણ
આણંદ જિલ્લાના આસોદર ખાતે રાજીવ ગાંધી ભવનમાં દિવ્યાંગજનોને સહાયરૂપ થવા માટે એક મહત્વપૂર્ણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત સોલ્સ આર્ક (Sol's ARC) સંસ્થા અને આસોદર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગતા પ્રમાણપત્રોનું વિતરણ કરવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાવવાનો હતો.
છેલ્લા ૨૨ વર્ષથી દિવ્યાંગ વ્યક્તિઓ માટે શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે કાર્યરત સોલ્સ આર્ક સંસ્થાની આ પહેલથી સ્થાનિક દિવ્યાંગજનોને ઘણો ફાયદો થયો છે. આ કાર્યક્રમમાં ગામના 207 જેટલા દિવ્યાંગજનોની ઓળખ કરવામાં આવી હતી. તેમાંથી 149 લોકોએ પ્રમાણપત્ર માટે ફોર્મ ભર્યા હતા અને તત્કાલ 57 દિવ્યાંગ વ્યક્તિઓને તેમના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સરાહનીય કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રમાણપત્ર ઉપરાંત અન્ય સહાય પણ પૂરી પાડવામાં આવી હતી. જેમાં 16 દિવ્યાંગજનોને પેન્શન અને બસ પાસની સુવિધા માટે માર્ગદર્શન મળ્યું હતું, જ્યારે 10 દિવ્યાંગજનોએ વર્મીકમ્પોસ્ટ બેડ બનાવીને આર્થિક પ્રવૃત્તિ તરફ પહેલ કરી હતી.
કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના ડાયરેક્ટર મિલન વ્યાસ, પ્રોજેક્ટ ડાયરેક્ટર નેહા, મહેન્દ્રા કંપનીના ભાવેશ, તેમજ આણંદ જિલ્લા પંચાયતના સમાજ સુરક્ષા અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મનુ પઢીયાર (ચેરમેન એ.પી.એમ.સી.), ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયત સભ્યો, નિવૃત્ત શિક્ષક નરેન્દ્ર સિંહ પરમાર અને સંજયસિંહ રાજ (પ્રમુખ ક્ષત્રિય સમાજ) જેવા સ્થાનિક આગેવાનોની હાજરીએ આ દિવ્યાંગતા સહાય કેમ્પને વધુ પ્રેરણાદાયક અને સફળ બનાવ્યો હતો.