આણંદ: ૯ મહિના બાદ પણ કલેક્ટરની સૂચનાનું અધૂરું પાલન, ગોયા તળાવ પાસે દરવાજો હજુ ન મૂકાયો
આણંદમાં નવા બસસ્ટેન્ડ સામે આવેલ ગોયા તળાવની ગત ર૪ ઓગસ્ટ,ર૦ર૪ના રોજ કલેકટર, આણંદે રુબરુ મુલાકાત લીધી હતી. તે સમયે કોઇ વ્યકિત કે પ્રાણી અજાણતાવશ ગોયા તળાવમાં ન ખાબકે તે માટે કમ્પાઉન્ડ વોલ બનાવીને દરવાજો મૂકવા, આ સ્થળેથી રોડા-માટીના ઢગલા હટાવવા પાલિકાને સૂચના આપી હતી. પરંતુ કલેકટરની સૂચનાનું પાલિકાએ પોતાની મનમરજી પ્રમાણે પાલન કર્યાની સ્થિતિ જોવા મળી રહી છે.
જેમાં તળાવ ફરતે કમ્પાઉન્ડ વોલના બદલે સિમેન્ટના પાટીયા લગાવી દીધા છે. પરંતુ દરવાજો મૂકવાના બદલે તે જગ્યા સાવ ખુલ્લી રાખી છે. જેના કારણે કોઇ પ્રાણી સહિત રાત્રિના સમયે કોઇ વ્યકિત પણ ગફલતથી સીધો તળાવમાં ખાબકવાની ભીતિ રહેલી છે. આ વિસ્તારમાં સવારે મજૂર વર્ગ મોટી સંખ્યામાં એકઠાં થતા હોય છે. કેટલાક લોકો તળાવની વોલને દરવાજો ન હોવાથી શૌચ ક્રિયા માટે પણ ખુલ્લી જગ્યામાંથી જતા હોય છે. અગાઉ એક વૃદ્વ શૌચ માટે જવા દરમ્યાન આ જગ્યાએ પડી જવાથી મૃત્યુ પામ્યાની ઘટના બન્યાનું મજૂર વર્ગમાં ચર્ચાય છે. આથી ભવિષ્યમાં કોઇ ગંભીર ઘટના સર્જાય તે અગાઉ ખુલ્લી જગ્યાએ દરવાજો મૂકીને સલામત બનાવવામાં આવે તે જરુરી છે. સાથોસાથ કલેકટરની મુલાકાત બાદથી આજદિન સુધી રોડા-માટીના ઢગલા યથાવત સ્થિતિમાં છે, તેને પણ સત્વરે હટાવવામાં આવે તેવી માંગ થવા પામી છે.