આણંદ સરકારી ગોડાઉનમાં પ્રાંત અધિકારીએ ઓચિંતી મુલાકાત લેતા પોલ ખુલી પડી
આણંદના સરકારી ગોડાઉનમાં અનાજનો જથ્થો જેમ તેમ પડેલો જોઇ પ્રાંત અધિકારીએ મેનેજર સહિતના સ્ટાફનો ઉધડો લીધો હતો. આણંદ બોરસદ ચોકડી સરકારી અનાજના ગોડાઉનમાં પ્રાંત અધિકારીએ આકસ્મિક દરોડા પાડયા હતા. ત્યારે ગોડાઉનમા રેશનકાર્ડ ધારક ગરીબોને મોકલવામાં આવતો અનાજનો જથ્થો અસ્ત વ્યસ્ત જોઈને ચોંકી ઉઠયા હતા. તેમજ ગાડાઉન ફરતે ગંદકી, ઘાસની સાફસફાઇનો અભાવ સહિત સ્ટોક પત્રક નિયમન રાખવા બાબતોને લઈને જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હોવાનું આણંદ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.બીજી તરફ આણંદ પ્રાંત અધિકારીએ આકસ્મિક મુલાકાત લેતા ગોડાઉનમા હાજર કર્મીઓમા દોડધામ મચી ગઇ હતી.
સરકારી ગોડાઉનમાં અનાજનો જથ્થો અસ્ત વ્યસ્ત હાલતમાં હોવા ઉપરાંત ભોયતળિયા પર ચોખા વેરાયેલા જોવા મળ્યા હતા. અનાજની ગુણો સીલબંધ પેકને બદલે ખુલેલી હોવાથી અનાજ બહાર વેરાતુ હોવાનું ધ્યાને આવ્યું હતુ઼. જેથી ગોડાઉન મેનેજરનો ઉધડો લઇ દિન 2માં તમામ જથ્થો સરખો કરવા સૂચના આપી હતી.