Advertisement

આણંદ શહેરમાંથી રૂ.3.48 લાખના એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ

આણંદ શહેરમાંથી રૂ.3.48 લાખના એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ

આણંદ શહેરના નવા બસસ્ટેન્ડ સામે આવેલા સરદારબાગ પાસેથી આણંદ એસઓજી પોલીસની ટીમે મધ્યપ્રદેશની એક મહિલાને રૂ.3,48,810ની કિંમતના 116.270 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડીને રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત રૂ.3.59 લાખનો મુદ્દામાલ કબજે લઈ આણંદ શહેર પોલીસમથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી.જસાણીની સુચના અને માર્ગદર્શન હેઠળ આણંદ એસઓજી પોલીસના માણસો એસઓજીને લગતી કામગીરી કરવા સારી પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, એક મહિલા નશીલા માદક પદાર્થની ડિલિવરી આપવા માટે આણંદ શહેરમાં આવેલા નવા બસસ્ટેન્ડ સામે આવેલ સરદારબાગ પાસે ઉભી છે અને ડિલિવરી લેવા આવનારની રાહ જોઈ રહી છે.

આણંદ એસઓજી પોલીસની ટીમ બાતમી મુજબના સરદારબાગ પાસે પહોંચી ગઈ હતી અને વોચ ગોઠવી દીધી હતી. આ દરમ્યાન વર્ણન મુજબની એક મહિલા હાથમાં જાંબલી કલરના થેલા સાથે રીક્ષાની પાછળ જોવા મળતા જ પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લીધી હતી. જેના થેલામાં તપાસ કરતા અંદરથી એક પ્લાસ્ટીકની કોથળીમાં આછા પીળા કલરનો પ્રતિબંધિત શંકાસ્પદ નશાકારક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે મહિલાની અંગજડતી કરતા મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ પણ મળી આવી હતી.

આણંદ એસઓજીની ટીમે મહિલાને એસઓજી ઓફિસ ખાતે લાવી ઝડપાયેલા નશીલા પદાર્થની એફએસએલની ટીમ મારફતે તપાસ કરાવતાં મળી આવેલ પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૂ.3,48,810ની કિંમતનું 116.270 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે લઈ મહિલાની પૂછપરછ કરતાં મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના બેડાવા ગામની મંજુ જગદીશભાઈ ભુરીયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત રૂ.3,59,479નો મુદ્દામાલ કબજે લઈ આણંદ શહેર પોલીસમથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન ઝડપાયેલી મંજુ જગદીશ ભુરીયા મધ્યપ્રદેશના રતલામ ખાતેથી નારાયણ નામના શખ્સ પાસેથી એમડી ડ્રગ્સ લઈને બસ મારફતે આણંદમાં કોઈકને ડીલીવરી આપવા માટે આવી હતી તેમજ ઝડપાયેલી મંજુનો પતિ એનડીપીએસના કેસમાં બિલોદરાની જેલમાં હોવાનું જાણવા મળેલ છે.

Advertisement