આણંદ જિલ્લામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતાં શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

આણંદ જિલ્લાના ખંભાત શહેર અને આસપાસના વિસ્તારોમાં ગતરાત્રે ધોધમાર વરસાદ નોંધાયો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જોરદાર પવન સાથે વરસેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
ખંભાતના મીતલી, પાંદડ, નવી આંખોલ, તરકપુર, કલમસર, ઉંદેલ, કંસારી, નગરા, ઝીણજ, નવાગામ અને બારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. શહેરના ટાવર વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.
વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. આ વરસાદથી ખેતીના કામકાજને વેગ મળશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે.