આણંદ જિલ્લામાં ફૂડ વિભાગની ટીમ દ્વારા 28 પેઢીઓની તપાસ કરાઈ
આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ ઝુંબેશ અંતર્ગત જિલ્લાની કુલ ૨૮ જેટલી પેઢીઓ, જેમાં ઉત્પાદકો, રિટેલર્સ અને વેચાણકર્તાઓનો સમાવેશ થાય છે, ત્યાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા ચીક્કી અને ગોળના કુલ ૧૨ જેટલા નમૂનાઓ મેળવીને પૃથ્થકરણ માટે સરકાર માન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીમાંથી પૃથ્થકરણ રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ નમૂના ફેઈલ જણાશે અથવા તેમાં ભેળસેળ માલૂમ પડશે, તો સંબંધિત પેઢી સામે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬' હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તહેવારની મોસમને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ ખાદ્યપદાર્થોના ઉત્પાદન અને વેચાણના સ્થળો પર આ પ્રકારની તપાસની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. જાહેરમાં વેચાઈ રહેલાં તૈયાર ખાદ્ય પદાર્થો જેમાં તલ અને સીંગની વાનગીઓ તથા તેની ક્વોલીટી અને તેલ અંગે ચકાસણી હાથ ધરાઈ છે.