આણંદ જિલ્લામાં પ્લેનક્રેશના ત્રણ મૃતકોનો અંતિમ સંસ્કાર
આણંદ : અમદાવાદના પ્લેન ક્રેશમાં મૃતક આણંદ જિલ્લાના સોજીત્રાના એક તેમજ બોરસદ તાલુકાના કસુંબાડ અને ઝારોલા ગામના બે મળીને ત્રણ મૃતકોની અંતિમક્રિયામાં પૂરા સન્માન સાથે કરાઈ હતી. જેમાં જિલ્લા વહીવટી તંત્ર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદમાં તા. ૧૨મી જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા. જેમાંથી ૮ મૃતકના પરિવારજનોના ડીએનએ મેચ થયા બાદ પાથવદેહની ઓળખ થતા તેમનો મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ડીએનએ સેમ્પલિંગ મેચ થતા આણંદ જિલ્લાના સોજીત્રાના મૃતક નીલકંઠભાઈ ચંદુભાઈ પટેલ, બોરસદ તાલુકાના કસુંબાડ ગામના મૃતક રણવીરસિંહ નટવરસિંહ ચૌહાણ તથા ઝારોલાના મૃતક રમેશભાઈ નારણભાઈ પટેલના પરિવારને પાર્થિવદેહ પૂરા સન્માન સાથે સોંપવામાં આવ્યા હતા. ત્યારે તેઓની અંતિમક્રિયા વખતે તાલુકાના પદાધિકારીઓ તથા જિલ્લા અને સ્થાનિક વહીવટી તંત્રના તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી તથા પરિવારજનોને દિલાસો પાઠવ્યો હતો. મૃતકોના પરિવારજનોને આ આવી પડેલી દુઃખદ ઘટનાના સહભાગી થવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ખડે પગે રહ્યા હતા.