આણંદ જિલ્લામાં ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવની પ્રશંશનીય પહેલ
આણંદ સેતુ ટ્રસ્ટ દ્વારા ૯૦૦ વિધાર્થીઓને ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરાશે.
✓બાળકોમાં પર્યાવરણ જાગૃતિ અને ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ માટે સેતુ ટ્રસ્ટ અને પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલ ના આ પ્રયાસની મુખ્યમંત્રીએ પણ પ્રશંસા કરી.
✓આદિવાસી બહેનોએ બનાવેલ ગણેશજી ની મૂર્તિઓ વિધાર્થીઓને નિઃશુલ્ક આપવામાં આવશે.
ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ નું વેચાણ અને પ્રદર્શન આણંદ સાંઈબાબા મંદિર ખાતે 21 થી 23 ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ સવારે 10 વાગ્યા થી રાત્રે 9 વાગ્યા સુધી કરવામાં આવશે.
દેશ અને વિશ્વમાં વધતું જતું પ્રદૂષણ વિકરાળ સમસ્યા બની રહ્યુ છે. તેમાંય હવે ભારતમાં ઉજવાતા તહેવારોમાં પણ પર્યાવરણને નુકશાન થાય તેવી પીઓપીની મૂર્તિઓનું વેચાણ વધતું જાય છે. આણંદનું સેતુ ટ્રસ્ટ દિવ્યાંગ, અનાથ, સિંગલ પેરેન્ટ્સ અને જેમના માતા-પિતા પણ દિવ્યાંગ હોય તેવા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ સાથે પર્યાવરણ જાગૃતિ સહિતના સામાજિક ઉત્કર્ષ અને સેવા ના કાર્યો કરે છે. સંસ્થાના સ્થાપક અને જનરલ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલની આગેવાનીમાં આગામી ગણેશ મહોત્સવ ઈકો ફ્રેન્ડલી પદ્ધતિથી ઉજવાય તે માટે સાર્વત્રિક જાગૃતિ અને ઉત્સવ ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓથી ઉજવવામાં આવે તે માટે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.
જે અનુસંધાને જિલ્લાની વિવિધ શાળાના બાળકોને ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ નિઃશુલ્ક આપવામા આવશે અને જિલ્લામાં ગણેશ મંડળો અને સંચાલકો માટે પણ ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ સ્પર્ધાનું પણ આયોજન હાથ ધર્યું છે. આ પ્રયાસને મુખ્યમંત્રી સહિત સંતો, અગ્રણી નાગરિકો તેમજ મહાનુભાવોનો પણ ખૂબ આવકાર અને પ્રસંશા મળી રહી છે.
આ અંગે સેતુ ટ્રસ્ટના સ્થાપક અને જનરલ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા જે વિવિધ ક્ષેત્રમાં કામ કરે છે તેમાં પ્રકૃતિ અને પર્યાવરણ જાળવણીના પ્રયત્નો સામેલ છે. આપણે ત્યાં દશામાં નો તહેવાર હોય કે ગણપતિ મહોત્સવ આ મૂર્તિઓના નિર્માણમાં પર્યાવરણને ભારે નુકશાન પહોચાડતા પીઓપી નો વ્યાપક ઉપયોગ થાય છે અને મૂર્તિના રંગકામ માં વપરાતા રંગોમાં પણ હાનિકારક રસાયણોનો ઉપયોગ થતો હોય છે. સમાજ અને નાગરિકોએ આ પરત્વે જવાબદારી સાથે જાગૃતિ રાખવી પડશે અને ધાર્મિક તહેવારોની ઉજવણીમાં પર્યાવરણ અને પ્રકૃતિને હાનિકારક રસાયણો અને તત્વોથી બચાવવી પડશે અમોને ખુશી છે કે અમો ઈકોફ્રેન્ડલી ગણેશ મહોત્સવ બાળ વિદ્યાર્થીઓ અને શાળાઓના સહકારથી ભગીરથ કાર્યને પ્રારંભ કરી રહ્યા છે. ગત વર્ષે વિવિધ શાળાના પાંચસો થી વધુ બાળકોએ ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ સ્પર્ધામાં ફોર્મ ભરી નોંધણી કરાવી હતી હવે ચાલુ વર્ષે આ સંખ્યા ૯૦૦ સુધી પહોંચી છે. તે તમામ બાળ સ્પર્ધકોને સંસ્થા દ્વારા ગાય ના છાંણ અને માટી માંથી બનાવેલ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ નિઃશુલ્ક આપવામાં આવશે અને તેનું બોક્સ ચકલીના માળા તરીકે ઉપયોગમાં લઈ શકાશે.
શાળાના બાળકો માટે સ્પર્ધા:
"ઉત્સવ મનાવો પર્યાવરણ બચાવો" અંતર્ગત સેતુ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ધોરણ 1 થી 5 અને 6 થી 8 બે વિભાગમાં આણંદ,વિદ્યાનગર, કરમસદની શાળાઓમાં એક સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ગાયના છાણ અને માટીની મૂર્તિ સેતુ ટ્રસ્ટ દ્વારા ૯૦૦ વિદ્યાર્થીઓને આપવામાં આવશે આ સ્પર્ધામાં એક થી પાંચ ધોરણમાં પ્રથમ, દ્વિતીય ,તૃતીય અને છ થી આઠ ધોરણમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય તેવા પ્રાઇસ આપવામાં આવશે. રૂ. 2500, રૂ. 2100 અને રૂ. 1500 + મેડલ+ સર્ટિફિકેટ અને બાકીના બંને વિભાગમાં પ્રથમ ૫ - ૫ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવશે તેમજ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે.આણંદ જિલ્લા માટે સ્પર્ધા: આ સાથે બીજી એક સ્પર્ધાનું આયોજન પણ સેતુ ટ્રસ્ટ દ્વારા ખાસ આણંદ જિલ્લા માટે કરવામાં આવ્યું છે જે ભક્તો પોતાના ઘર, સોસાયટી, મહોલ્લામા, સંસ્થાઓમાં, ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ ની સ્થાપના કરતા હોય એવા ભાવિભક્તો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ત્રણ વિભાગમાં સ્પર્ધા નું આયોજન કરવામાં આવશે (૧) બેસ્ટ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ (૨) બેસ્ટ ડેકોરેશન અને (૩) બેસ્ટ પર્યાવરણ આધારિત થીમ એ ત્રણેય વિભાગમાં ત્રણ - ત્રણ ઇનામ આપવામાં આવશે. આ સ્પર્ધામાં ગણેશજીની મૂર્તિ ઈકો ફ્રેન્ડલી હોવી ફરજિયાત છે.