આણંદ-ખેડામાં કાતિલ ઠંડીમાં રાહત, આગામી 3 દિવસ જોર ઓછું
આણંદ ખેડા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કાતિલ ઠંડીનો અનુભવ વર્તાતો હતો.બુધવારે પણ દિવસભર ઠંડીની તીવ્રતા અનુભવાઇ હતી. જો કે છેલ્લા24 કલાકથી ઉતર પૂર્વી ઠંડા પવનોનું જોર ઘટતાં તેમજ ભેજનું પ્રમાણ વધુ રહેતા આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર ઓછું રહેશે. ભેજનું પ્રમાણ વધુ રહેતા લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઉંચો જવાની સંભાવના છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ચરોતરમાં આકાશ સ્વચ્છ રહેશે અને વાતાવરણ ઠંડુ રહેશે પરંતુ ભેજનું પ્રમાણ 90 ટકાની આસપાસ રહેતા લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઉંચુ જવાની સંભાવના છે. બુધવારે લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 25.5 અને પવનની ગતિ 3 કિમી નોંધાઇ છે. જો કે ત્રણ દિવસ દરમિયાન ઉતર પૂર્વી પવનોનું જોર ઓછુ રહેશે. જેથી ઠંડીમાં થોડી રાહત રહેશે. જો કે ત્યાર બાદ ફરી ઠંડીનો ચમકારો વતાય તેવી શકયતા છે.