Advertisement

આણંદ-ખંભાત મેમુ ટ્રેનમાંથી પર્સ ચોરી કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

આણંદ-ખંભાત મેમુ ટ્રેનમાંથી પર્સ ચોરી કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

આણંદ-ખંભાત મેમુ ટ્રેનમાંથી પર્સ ચોરી કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

આણંદ-ખંભાત મેમુ ટ્રેનમાં મહિના અગાઉ સુઈ રહેલી મહિલાના રૂપિયા 4.16 લાખની મતા ભરેલા પર્સ ચોરીમાં રેલવે પોલીસે સફળતા મેળવી છે. પોલીસે ત્રણ શખસોને ઝડપી તેમની પાસેથી 3.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મૂળ ખંભાતના અને મુંબઈમાં રહેતા 63 વર્ષીય પન્નાબેન કમલેશકુમાર પટેલ ગત 2 જુલાઈના રોજ ખંભાત સ્થિત વતનમાં લગ્ન પ્રસંગ હોઈ હાજરી આપવા માટે આણંદ આવ્યા હતા. દરમિયાન, પરોઢીયે આણંદ રેલવે સ્ટેશને ઉતરીને પ્લેટફોર્મ નંબર 1 પરથી ખંભાત તરફ જતી મેમુ ટ્રેનમાં બેઠા હતા. સવારે સાડા પાંચ વાગ્યે ટ્રેનમાં જતી વેળાએ પેટલાદ રેલવે સ્ટેશન પાસે કોઈ અજાણ્યા શખસ દ્વારા તેમના રૂપિયા 4.16 લાખની મતા ભરેલા પર્સની ચોરી કરી હતી.

આ અંગેની જાણ તેમને થતાં તેમના દ્વારા ગત 17મી જુલાઈના રોજ આણંદ રેલવે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ચોરીમાં પેટલાદમાં રહેતા હર્ષદ ઉર્ફે હોલો રાવજી ભોઈ, સુરેશ ઉર્ફે ભુવાજી નવઘણ તળપદા અને રાજેશ નવઘણ તળપદાની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંતર્ગત રેલવે પોલીસ દ્વારા તેમના ઘરેથી ત્રણેયને દબોચી લીધા હતા.

પોલીસ તપાસમાં ત્રણેય શખસ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને રેલવે સ્ટેશનોમાં ચોરીને અંજામ આપતા હોય છે. પોલીસ દ્વારા તેમના ઘરેથી અલગ-અલગ કિંમતી ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા 3.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણેયને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement