Advertisement

આણંદ એસટી ડેપો એ ફાયર સેફ્ટી વિના ભયના સાથે સફર!

આણંદ એસટી ડેપો એ ફાયર સેફ્ટી વિના ભયના સાથે સફર!

આણંદ : આણંદ જિલ્લાનું મુખ્ય મથક ગણાતા આણંદના રેલ્વે સ્ટેશન પાસે આવેલા જુના એસટી ડેપોનું નવીનીકરણ પછી અધ્યતન બિલ્ડીંગ બન્યુ તેને વર્ષો વીતી ગયા પછી પણ ફાયર સેફટીની સુવિધા પુરી પાડવામાં વહીવટી તંત્ર દ્વારા ઉદાસીનતાને કારણે હજારો મુસાફરોનો જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ જોવા મળી છે.

આણંદના જૂના બસ સ્ટેન્ડને અંદાજે આઠ વર્ષ પહેલા રીનોવેશન કરીને નવીનીકરણ કરી મુસાફરો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ અગત્યના એવા ફાયર સેફ્ટીના સાધનો વસાવામાં કચાશ રાખી હોય એવું જોવા મળે છે. આણંદના નવા સેન્ટ્રલ એસટી ડેપોમાં ફાયર સેફ્ટીની કોઇ સુવિધા ઊભી કરી નથી. એસટી ડેપોનું બિલ્ડિંગ બે માળનું છે છતાં વર્કશોપ અને મુસાફરોના બેસવાની જગ્યાએ ફાયર માટેની પાણીની લાઇન બેસાડવામાં આવી નથી.

સેન્ટ્રલ બસ ડેપો વિશાળ જગ્યામાં ફેલાયેલું છે છતાં માત્ર ૧૦ જેટલા જ નાના ફાયર એક્સટિંગ્યુશર લગાવવામાં આવેલા છે. એમાં પણ ઘણા એક્સપાયર થઈ ગઈ છે છતાં રી-ફીલિંગ પણ કરવામાં આવ્યું નથી. સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં અંદાજીત ૧૭૦થી વધુ રુટની બસમાં અંદાજે ૮૦૦ હજાર મુસાફર કરે છે. ત્યારે સંકટ સમયે અચાનક આગ લાગે ત્યારે મોટી જાનહાની સ્થિતિ સર્જાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત થવા પામી છે. 

આણંદ જુના બસ સ્ટેન્ડના સંચાલક પંકજ શ્રીમાળીએ આપેલી માહિતી મુજબ તેમનું કામ એસ.ટી.ના રૂટો સંચાલન કરવાનું હોય છે. ફાયર સેફ્ટી સંદર્ભેની કામગીરી ઉપલા લેવલથી એન્જિનિયરિંગ વિભાગમાંથી કરવામાં આવતી હોય છે. 

હાલ આણંદ જિલ્લામાં કલેકટર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ સહિત સરકારી બિલ્ડીંગો તેમજ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ મનાપા વિસ્તારમાં આવેલી હોસ્પિટલો હોટલો, બહુમાળી બિલ્ડીંગો સહિત તમામ બીલ્ડીંગોમાં ફાયર સેફટી માટે ફરજિયાત કામગીરી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે તેમ છતાં આણંદનું સેન્ટ્રલ એસટી ડેપોનો હજુ સુધી આવા નિર્દેશોની કોઈ ખાસ અસર થઈ હોય તેવું જણાતું નથી.


Advertisement