Advertisement

આણંદ LCBની મોટી કાર્યવાહી, ₹1.51 કરોડનો દારૂ ઝડપાયો

આણંદ LCBની મોટી કાર્યવાહી, ₹1.51 કરોડનો દારૂ ઝડપાયો

આણંદ જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ અધિક્ષકની સૂચના બાદ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ને મોટી સફળતા મળી છે. વાસદ-બગોદરા હાઈવે પર આવેલી સહયોગ હોટલના પાર્કિંગમાંથી એક ટ્રકમાંથી ₹1.51 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.



LCB ટીમને બાતમી મળી હતી કે, એક ટ્રકમાં ચોખાની કણકીના કોથળાની આડમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા શંકાસ્પદ ટ્રક મળી આવી હતી. જોકે, પોલીસને જોઈને ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો.



ટ્રકની પાછળના ભાગે તપાસ કરતા, ચોખાની કણકીના 500 કોથળા નીચે છુપાવેલી વિદેશી દારૂની 2594 બોટલો મળી આવી હતી. આ દારૂ ભારતીય બનાવટનો વિદેશી દારૂ હતો.



પોલીસે કુલ 96 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત ₹1,51,00,800 આંકવામાં આવી છે. આ ઉપરાંત, ₹15,00,000ની કિંમતનો ટ્રક અને તેમાં ભરેલા ચોખાની કણકીના 500 કોથળા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ ₹1,66,50,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


આ મામલે ફરાર થયેલા ટ્રક ચાલક વિરુદ્ધ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર આઈ.જે. રાણાની ટીમે પાર પાડી હતી.

Advertisement