Advertisement

આણંદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી મનપાની કાર્યવાહી

આણંદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી મનપાની કાર્યવાહી

આણંદ શહેરના મુખ્ય માર્ગો પર પાલિકાના પૂર્વ શાસનકાળ દરમિયાન દાતાઓના સહયોગથી મોટા અને આડેધડ સર્કલો બનાવવામાં આવ્યા હતા. જોકે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શહેરમાં વાહનોની સંખ્યા બમણી થતાં આ મોટા સર્કલો વાહનચાલકો માટે માથાનો દુઃખાવો સાબિત થયા હતા. રોડ સેફ્ટીના નિયમો મુજબ ચાલકોના જીવનને જોખમમાં મૂકે તેવા માળખાં ઉભા કરી શકાતા નથી, તેમ છતાં શહેરમાં અનેક સ્થળોએ વિશાળ સર્કલો ઉભા કરાયા હતા.


બે દિવસ અગાઉ અહિંસા ચોક પાસેનો વિશાળ સ્થંભ દૂર કર્યા બાદ ગુરુવારે મનપાએ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. આણંદ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


ગુરુવારે જનરલ હોસ્પિટલ આણંદ નજીક સ્ટેશન રોડ પર બનાવાયેલ 10 ફૂટ વ્યાસનું મોટું સર્કલ તોડી પાડવામાં આવ્યું હતું. રોડ સેફ્ટીની તાજેતરની બેઠકમાં આવા તોતીંગ સર્કલોના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ બાબતને ગંભીરતાથી લેતા કલેક્ટરે શહેરના માર્ગો પરથી નડતરરૂપ સર્કલો દૂર કરવા મનપાને સૂચના આપી હતી.


મનપાના એસ્ટેટ વિભાગની ટીમે કામગીરી કરી સર્કલ દૂર કરતા ચોકડીના ત્રણેય બાજુ આશરે ચાર ફૂટ જેટલો માર્ગ ખુલ્લો થયો છે. જેના કારણે 108 ઇમરજન્સી સેવા સહિતના તમામ વાહનો હવે સરળતાથી વળાંક લઈ શકશે અને ટ્રાફિક વ્યવસ્થા સુધરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


મનપા અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલ મોટું સર્કલ દૂર કરીને માર્ગ ખુલ્લો કરાયો છે. આવનારા દિવસોમાં ટ્રાફિક નિયંત્રણ અને શહેરની સુંદરતા જળવાઈ રહે તે માટે નાનું આર્ટિફિશિયલ સર્કલ બનાવવામાં આવશે, જેથી વાહનવ્યવહાર પણ સરળ બને અને માર્ગ સુરક્ષા પણ સુનિશ્ચિત થાય.


આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા નડતરરૂપ સર્કલો પણ તબક્કાવાર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે તેવી જાણકારી મનપા તરફથી આપવામાં આવી છે.

Advertisement