મોડેલ આણંદ રેલ્વે સ્ટેશન પર મુસાફરો માટે બનાવવામાં આવેલી સુવિધાઓની હકીકત ફરી એકવાર સામે આવી છે. આણંદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 પર આવેલી પીવાના પાણીની પરબ નીચે અસહ્ય ગંદકી ફેલાતા રેલ્વે તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્લેટફોર્મ નં. 1 પર પાણીની પરબની પાઇપલાઇન ચોકઅપ થવાથી પીવાનું ચોખ્ખું પાણી બહાર આવવાને બદલે ગંદા પાણીની રેલમછેલ થઈ હતી. પરિણામે પરબ આસપાસ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી, જેથી મુસાફરોને ત્યાં બેસવાની જગ્યાએ અન્ય સ્થળે ખસવું પડ્યું હતું. મુસાફરોએ આ સ્થિતિને લઈને રેલ્વે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
મોડેલ આણંદ રેલ્વે સ્ટેશન પર દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે. મુસાફરોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રેલ્વે તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીની પરબ સ્થાપિત કરવામાં આવી છે. જોકે, આણંદ–ખંભાત પ્લેટફોર્મ પર જુના દાદર તરફ આવેલી પાણીની પરબની નિયમિત સફાઈ ન થવાને કારણે પાઇપલાઇન ચોકઅપ થવાની સ્થિતિ સર્જાઈ હતી.
આ ઘટનાના કારણે પ્લેટફોર્મ પર હજારો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. મુસાફરો દ્વારા ફરિયાદો કરવામાં આવતા અંતે રેલ્વે તંત્રની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને સફાઈ તેમજ જરૂરી સુધારણા કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મુસાફરોનું કહેવું છે કે આવી બેદરકારીથી માત્ર અસુવિધા જ નહીં પરંતુ આરોગ્યને પણ જોખમ ઊભું થાય છે, તેથી રેલ્વે તંત્રએ નિયમિત સફાઈ અને જાળવણી પર વધુ ધ્યાન આપવું જરૂરી બન્યું છે.