આણંદ: આણંદ સ્થિત શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ એજ્યુકેશન કોલેજ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૦૬/૦૩/૨૦૨૬, શુક્રવારના રોજ "ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના સંવર્ધનમાં NEP 2020 ની ભૂમિકા" વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું ભવ્ય આયોજન SRKSM કેમ્પસ સ્થિત ડૉ. જી.એસ. પટેલ વિદ્યાભવન (ભાઈકાકા હોલ) ખાતે કરવામાં આવનાર છે.
આ રાષ્ટ્રીય કક્ષાના શૈક્ષણિક કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત સાહિત્યકારો અને વિદ્વાનો પોતાના તજજ્ઞીય વ્યાખ્યાનો રજૂ કરશે. જેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રભાઈ જાદવ, જાણીતા સાહિત્યકાર ડૉ.મણિલાલ પટેલ, ડૉ.મહેશ પટેલ, ડૉ.ભગીરથ બ્રહ્મભટ્ટ તથા ડૉ.અલકાબેન મેકવાન ઉપસ્થિત રહી નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં માતૃભાષા અને સંસ્કૃતિના જતન અંગે માર્ગદર્શન પૂરું પાડશે.
પરિસંવાદની ઉદ્ઘાટન બેઠકમાં શ્રી રામકૃષ્ણ સેવા મંડળના મંત્રી શ્રીમતી જ્યોત્સ્નાબેન પટેલ પણ ઉપસ્થિત રહેશે અને અધ્યક્ષીય ઉદબોધન આપશે. આ તકે વિવિધ યુનિવર્સિટીઓના અધ્યાપકો, સંશોધન છાત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થઈને પોતાના સંશોધન પત્રો રજૂ કરશે તેમ આણંદ એજ્યુકેશન કોલેજના આચાર્યશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.