આણંદ અને ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પવનની ગતિ પ્રતિ કલાક 5થી 10 કિમી આસપાસ રહેતા લોકોને ગરમ વસ્ત્રો પહેરીને જ ઘરની બહાર નીકળવું પડી રહ્યું છે. ગુરૂવારે સવારે લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
દિવસ દરમિયાન પવન ચાલુ રહેતા સાંજના સમયે તાપમાનમાં વધુ એક ડિગ્રીનો ઘટાડો થતાં કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. જેના કારણે શહેરના માર્ગો પર દરરોજ કરતાં વાહનચાલનની ચહલપહલ ઓછી જોવા મળી રહી છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયા કિનારે લગભગ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ચરોતર સહિત મધ્ય ગુજરાતમાં પવનની ગતિ વધી છે, જેના કારણે ઠંડીનો પ્રભાવ વધુ અનુભવાઈ રહ્યો છે. શુક્રવારે પવનનું જોર વધુ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ગુરૂવારે મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ 81 ટકા રહ્યું હતું. જો કે ઠંડીના કારણે શાકભાજીના પાકમાં જીવાતોના ઉપદ્રવમાં ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે ચાલુ સપ્તાહમાં ઉતારો સારો રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.