આણંદમાં NHRC બેઠક: “કોરોના જેમ ‘રક્તપિત’ પણ હરાવી શકાય છે” – ડૉ. નાયક
આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)ના સ્પેશિયલ મોનીટર ડૉ. પ્રદિપ્તાકુમાર નાયકના અધ્યક્ષપદે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમણે રક્તપિત નિર્મૂલન અંગે વિશેષ ભાર મૂક્યો હતો.
ડૉ. નાયકે કમિશનની કામગીરી અને રક્તપિત નિર્મૂલન વિશે વિવિધ વિભાગના વડાઓને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કોવિડ જેવી મહામારીને હરાવી શકાય છે તો રક્તપિતને પણ નાબૂદ કરી શકાય છે. આરોગ્ય વિભાગને આ દિશામાં નેતૃત્વ લેવા સૂચના આપી હતી.
બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, સમાજ કલ્યાણ, અનુસુચિત જાતિ-જનજાતિ, બક્ષીપંચ, રોજગાર અને મહિલા-બાળ વિકાસ સહિતના વિભાગોના વડાઓ સાથે ચર્ચા થઈ હતી. સ્પેશિયલ મોનીટરે રક્તપિત નિર્મૂલન માટે સઘન પ્રયાસો કરવા અધિકારીઓને અપીલ કરી હતી.
જિલ્લા રક્તપિત અધિકારીએ પીપીટી દ્વારા આરોગ્ય વિભાગની કામગીરીની માહિતી આપી હતી. બેઠકમાં જિલ્લા રક્તપિત અધિકારી ડૉ. દિપક પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. વંચિતોને યોજનાકીય લાભ આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.