આણંદમાં 6 લાખ સ્ક્વેર ફૂટના ગ્રાઉન્ડમાં એકસાથે 25 હજાર ખેલૈયા ગરબે ઘુમશે
આણંદ શહેરમાં 5 સ્થળોએ મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ સોજિત્રા રોડ મધુભાન રીસોટની બાજુમાં મા શકિત ગરબા ગ્રાઉન્ડ ખાતે નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ 2025નું આયોજન જાણીતા ગાયક કલાકાર પ્રાપ્તિ મહેતા સંગ તા 22મી સપ્ટેમ્બરથી ઉજવવામાં આવનાર છે. જેમાં વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવનાર છે. જેમાં 6 લાખ સ્કવેર ફૂટમાં 25 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘુમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ગરબા મેદાનમાં 15 હજારથી વધુ લોકો બેસી શકે તવી વ્યવસ્થા કરાઈ છે.
ગરબા મેદાનની ચોતરફ સીસીટીવી તેમજ ટીમો તૈનાત કરાશે. આ ઉપરાંત સુરક્ષા માટે ખાનગી બાઉન્સરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ઉપર મહિલાઓ અને પુરૂષો માટેના શૌચાલય પણ તૈયાર કરવામાં આવનાર છે. કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે100 ફૂટ પહોળો એન્ટ્રી ગેટ અને એક એક્ઝિટ ગેટ તેમજ એક ઇમરજન્સી એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ, તબીબી ટીમ તેમજ ફાયર બ્રિગેડની પણ વ્યવસ્થા ગ્રાઉન્ડ પર કરાઈ છે.