આણંદમાં સાયબર ફ્રોડ ગેંગ પકડાઈ, બે આરોપી ઝડપાયા
આણંદ સાયબર ક્રાઈમ પોલીસે સાયબર ફ્રોડ કરતી એક ટોળકીના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ અલગ-અલગ રાજ્યોના લોકો સાથે છેતરપિંડી કરીને તેમના બેંક ખાતામાંથી નાણાં પડાવતા હતા. પોલીસે તેમની પાસેથી ₹11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં આણંદના મોગરીમાં રહેતા એક યુવકે ફરિયાદ નોંધાવી હતી. ત્રણ મહિના પહેલા યુવકનો પરિચય દક્ષેશ નથુભાઈ પટેલ (રહે. ઉમતા, મહેસાણા) અને શિવાની ડબગર (રહે. કતારગામ, સુરત) સાથે થયો હતો. મિત્રતા કેળવાયા બાદ તેઓ અવારનવાર આણંદમાં મળતા હતા.
દક્ષેશ અને શિવાનીએ યુવકને જણાવ્યું કે તેમને બેંક ખાતાની જરૂર છે અને તેઓ તેમના ધંધાના પૈસા યુવકના ખાતામાં જમા કરાવશે, કારણ કે તેમને વધુ ઇન્કમ ટેક્સ આવતો હતો. મિત્રતાના ભાવે યુવકે તેમને પોતાના બેંક ખાતા નંબર આપ્યા હતા. ત્યારબાદ, 3 નવેમ્બર, 2025ના રોજ દક્ષેશ અને શિવાનીએ યુવકના બેંક ખાતામાં ₹5,00,000 જમા કરાવ્યા અને તરત જ ચેક દ્વારા ₹4,80,000 ઉપાડી લીધા હતા.
બીજા દિવસે, ₹15,50,000 જમા કરાવી તે જ દિવસે ₹12,00,000 ઉપાડવામાં આવ્યા. 6 નવેમ્બર, 2025ના રોજ ફરી ₹5,00,000 જમા કરાવી તરત જ ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મોટા ટ્રાન્ઝેક્શનોને કારણે યુવકનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હતું. તે સમયે દક્ષેશ અને શિવાનીએ ખાતું અનફ્રીઝ કરાવી આપવાની ખાતરી આપી હતી.
તાજેતરમાં, દક્ષેશ અને શિવાની ફરી આણંદ આવ્યા અને યુવક પાસેથી IDFC બેંકનો ખાતા નંબર લઈ તેમાં ₹4,00,000 જમા કરાવ્યા. તેમાંથી યુવક પાસેથી ₹3,50,000 ચેકથી ઉપડાવી પરત મેળવી લીધા હતા. આ ટ્રાન્ઝેક્શન અંગે શંકા જતાં યુવકે બેંકમાં પૂછપરછ કરી હતી.
પૂછપરછમાં જાણવા મળ્યું કે યુવકના ખાતામાં જે એકાઉન્ટથી પૈસા આવ્યા હતા, તેની વિરુદ્ધ આંધ્રપ્રદેશ, વેસ્ટ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના સાયબર પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાયેલી હતી. આથી, યુવકે દક્ષેશ નથુભાઈ પટેલ, શિવાની રાકેશભાઈ ડબગર અને તેમના સાથી પ્રફુલભાઈ વિરુદ્ધ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી દક્ષેશ નથુભાઈ પટેલ અને શિવાની રાકેશભાઈ ડબગરને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી સાયબર ફ્રોડના ₹3,50,000 રોકડા, જુદી જુદી બેંકોના 10 ક્રેડિટ/ડેબિટ કાર્ડ, 13 ચેક બુક/પાસબુક, 6 મોબાઈલ ફોન અને એક ફોર વ્હીલ કાર સહિત કુલ ₹11,80,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં પુર્વ આયોજીત રીતે ષડયંત્ર રચી બેન્ક એકાઉન્ટ ખોલાવી લોકોને વિશ્વાસમા લઈ તેમના બેન્ક ખાતાઓમાં રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી નાણા મેળવી આગળ તેમના મળતીયાઓને મોકલી સાયબર ફ્રોડને અંજામ આપે છે.