આણંદમાં બપોરે દોઢ કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસતાં ઠેર ઠેર પાણી ભરાયા
આણંદમાં બપોરે દોઢ કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. જ્યારે પેટલાદ શહેરમાં ભારે વરસાદના પગલે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરઇ જતાં લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડયો હતો. આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઇસ્માલનગર,અમીના મંજિલ, બોરદસ ચોકડી, ગણેશ ચોકડી, રાજોડપુરા અને મંગળપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા જતાં ઠેર ઠેર વાહનચાલકો અટવાઇ ગયા હતા.
આણંદમાં વરસાદ પડતની સાથે પાણીના નિકાલના અભાવે ગંગદેવનગર થી બાકરોલ તરફ જવાના દાંડી માર્ગ ઉપર પાણી ભરાઇ ગયા છે.ત્યારે ગટર લાઇન ચોકઅપ થઇ ગઇ હોવા છતાંય ટીમોએ સાફસફાઇ કામગીરીઓ હાથ ધરાઈ નથી. જેના પગલે શહેરના માણેજવાલા હાઇસ્કૂલ પાસે આવેલ બિસ્મીલા સોસાયટી, કોડીનાર સોસાયટી, રોયલ પાર્ક વિસ્તાર, સલાટીયા ફાટક પાસે આવેલ સોસાયટી વિસ્તાર અને કલીયર સોસાયટી,પાણીના સોસાયટી સહિત 35થી વધુ સોસાયટીઓમા પાણી ભરાઇ જતા રહીશો હાલાકીઓનો ભોગ બની રહયા છે. પેટલાદ શહેરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના બસ સ્ટેશન વિસ્તાર, સ્ટેશન રોડ, સરદાર ચોક, ચાવડી બજાર, સાંઈનાથ રોડ, કાળકાગેટ, સોહંગ સિનેમા રોડ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદનું આગમન થતાં રસ્તા પર નીકળેલા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. તો કેટલાક રીક્ષા ચાલકો અને બાઈક ચાલકોના વાહનો ખરાબ થઈ જતાં તેઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.