આણંદમાં પ્રભારી મંત્રીની સમીક્ષા બેઠક, વિકાસ કામોમાં ઝડપનો આદેશ
આણંદ જિલ્લામાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા માટે મહેસૂલ રાજ્ય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહીડાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન, પ્રભારી મંત્રીએ વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેટેશન નિહાળ્યા હતા. તેમણે સંબંધિત અધિકારીઓને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અને વિકાસને વેગ આપતા માળખાકીય કાર્યોમાં ઝડપ લાવવા તથા સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.
મંત્રી મહીડાએ જિલ્લામાં હાથ ધરાયેલા વિવિધ યોજનાકીય અને માળખાકીય કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને મહેસૂલી કેસોના નિકાલને પ્રાથમિકતા આપી ઝડપી નિકાલ લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, રી-સર્વેની અરજીઓનો પણ સત્વરે નિકાલ લાવવા તેમણે જણાવ્યું હતું.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ જિલ્લાના વિકાસ માટે રચનાત્મક સૂચનો કર્યા હતા. તેમણે ચાલુ નાણાકીય વર્ષના કામો ઝડપભેર પૂર્ણ થાય અને કોઈ પણ ગ્રાન્ટ વણવપરાયેલી ન રહે તેની તકેદારી રાખવા અધિકારીઓને જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સીએમ ડેશબોર્ડ અંતર્ગતની કામગીરી, તેના પેરામીટર્સ અને થયેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. તેમણે લેન્ડ ગ્રેબિંગ, મહેસૂલી કેસો, રી-સર્વેની કામગીરી, એસ.આઈ.આર.ની કામગીરી, જમીન ફાળવણી અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલા નવતર અભિગમો વિશે પ્રભારી મંત્રીને વાકેફ કર્યા હતા.
બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓએ તેમના વિભાગ હસ્તકની કામગીરી પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. આ તકે યોજનાકીય કામો, ફ્લેગશિપ કાર્યક્રમો અને માળખાકીય કામો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સાંસદ મિતેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, ધારાસભ્યો અને અગ્રણી સંજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જિલ્લામાં ચાલતા કામો અને સર્વાંગી વિકાસ માટે જરૂરી કાર્યો અંગે રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, સંબંધિત વિભાગના અધિકારીઓ તથા જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.