Advertisement

આણંદમાં ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળો' શરૂ:95 સ્ટોલ્સમાં હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું પ્રદર્શન-વેચાણ

આણંદમાં ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળો' શરૂ:95 સ્ટોલ્સમાં હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું પ્રદર્શન-વેચાણ

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો "સશક્ત નારી" મેળો શરૂ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને મહિલા સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ મેળાનું આયોજન કરાયું છે.

આણંદના પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે મહેસૂલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા અને નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.

મેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે પ્રદર્શિત વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી અને મહિલા કારીગરો સાથે સીધો સંવાદ કરીને તેમની હસ્તકલાને બિરદાવી હતી.

પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલા સશક્તિકરણ માટે સખી મંડળનો પાયો નાખ્યો હતો, જે આજે બહેનોને રોજગારી પૂરી પાડી રહ્યું છે.

આણંદના સશક્ત નારી મેળામાં 95 સ્ટોલ્સમાં હેન્ડમેડ જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ આઈટમ, ઇમિટેશન જ્વેલરી, હેન્ડલૂમ, ઓર્ગેનિક હળદર પાવડર, ગાયના દૂધ આધારિત પ્રોડક્ટ્સ, મસાલા, નમકીન, મહેંદી આર્ટ, બેકરી આઈટમ, ખાખરા, નેચરલ સાબુ, તોરણ, ચોખાની પાપડી, સાડી, કાપડની બેગ, કૃષ્ણના વાઘા તથા પૂજાપાની સામગ્રી, આયુર્વેદિક આઈટમ, ડ્રેસ મટીરીયલ, એલોવેરા અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, મિલેટ્સ વેલ્યુ એડિશન પ્રોડક્ટ્સ જેવી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે.

'વોકલ ફોર લોકલ' અને 'સ્વદેશી અપનાવો'ના મંત્રને ચરિતાર્થ કરતા આ આયોજનથી બહેનોને સીધું બજાર મળવાથી તેમની મહેનતનું સાચું વળતર મળશે. તેમણે જિલ્લાના નાગરિકોને મેળાની મુલાકાત લઈ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને મહિલા કારીગરોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી.

આ મેળો આગામી 23 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 10 થી રાત્રે 10 કલાક સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. આ પ્રદર્શન-કમ-વેચાણ મેળામાં કુલ 95 સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલાની વસ્તુઓ, ઘરવપરાશની ચીજો અને શણગારની સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. નગરજનોને સીધા કારીગરો પાસેથી ખરીદી કરવાની તક મળશે.

Advertisement