આણંદમાં જૂની જિલ્લા પંચાયતનું મકાન જર્જરીત, કર્મચારીઓ-અરજદારો માટે જોખમ, તાત્કાલિક સમારકામની માંગ
આણંદ અમૂલ ડેરી પર સરદાર પટેલના સ્ટેચ્યુથી ગંજ બજાર તરફ જવાના માર્ગ પર આવેલા જૂની જિલ્લા પંચાયત મકાન જર્જરીત હાલતમાં ફેરવાઇ ગયું છે. જેમાં હાલ તાલુકા પંચાયતની કચેરી ચાલે છે. જયાં મોટી સંખ્યામાં કર્મચારી અને અરજદારો આવતાં હોય છે. તેને ધ્યાને લઇને સમારકામ કરવામાં આવે તેમ અરજાદરો માંગ કરી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ અમૂલ ડેરી પાસે આવેલી જૂની જિલ્લા પંચાયતની કચેરી 4 દાયકા અગાઉ બનાવવામાં આવી હતી. ત્યારબાદ 7 વર્ષ અગાઉ નવું જિલ્લા પંચાયતનું ભવન બનતા તેમાં ખસેડવામાં આવી છે. તે જગ્યાએ તાલુકા પંચાયતની કચેરી ખસેડવામાં આવી છે.જેમાં 15 વધુ કચેરીઓ કાર્યરત છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી બિસ્માર હાલતમાં ફેરવાઇ ગઇ છે. તેમજ શૌચાલય સહિત કેટલીક બંધ રૂમોના દરવાજા તુટી ગયા છે. તેમજ પીવાના પાણીની કોઇ વ્યવસ્થા નથી.
આ ઉપરાંત 10 વર્ષ અગાઉ સોલાર સીસ્ટમ ફિટ કરવામાં આવી હતી. તે પણ ધૂળ ખાતી હાલતમાં છે. હાલમાં તાલુકા પંચાયતની કચેરી હોવાથી દૈનિક 1200થી વધુ લોકોની અવરજવર રહે છે. ત્યારે શૌચાલય તો બિલકુલ ખરાબ થઇ ગયા છે. જેને લઇને કામ અર્થે આવતાં અરજદારોને ભારે હાલાકી વેઠવી પડે છે.ત્યારે જૂની જિલ્લા પંચાયતના મકાનનું સમારકામ કરવામાં આવે તેમ અરજદારો ઇચ્છે છે. મકાન સમારકામ માટે મંજૂરી મળી ગઇ છે આણંદ જૂની જિલ્લા પંચાયતનું મકાન જર્જરીત હાલતમાં ફેરવાઇ ગયું છે. જે બાબતે માર્ગ મકાન વિભાગ દ્વારા સરકારમાં દરખાસ્ત કરી હતી. જેથી સરકારે મંજૂરી આપીને જોબ નંબર ફાળવી દીધો છે. જેથી ટુંક સમયમાં સમારકામ હાથ ધરવામાં આવશે. તેમજ કેટલીક નવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.