Advertisement

આણંદમાં જિલ્લા પંચાયતની સામાન્યસભા: મહત્વના કામોને લીલી ઝંડી

આણંદમાં જિલ્લા પંચાયતની સામાન્યસભા: મહત્વના કામોને લીલી ઝંડી

આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સરદાર પટેલ સભાખંડમાં મળી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, વિવિધ વિભાગના અધિકારીઓ અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ સભામાં કુલ 10 કામો એજન્ડા મુજબ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા પંચાયત કચેરીમાં ઘોડિયાઘરની સુવિધા શરૂ કરવા અને જિલ્લામાં 6 નવા સ્થાયી પશુદવાખાના મંજૂર કરવાના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સોજીત્રા પશુ દવાખાના હસ્તકની સર્વે નંબર 28 જમીનને તાલુકા પંચાયત સોજીત્રાના નામે તબદીલ કરવા અને તેમાંથી 14 ગુંઠા જગ્યા તાલુકા વિકાસ અધિકારી (સોજીત્રા)ના નિવાસસ્થાન તથા સ્ટાફ ક્વાર્ટર્સ માટે ફાળવવા જેવા કામો પણ લેવામાં આવ્યા હતા.

અન્ય મુખ્ય કામોમાં 15મા નાણાપંચ યોજના (વર્ષ 2020-21 થી 2024-25) હેઠળની બચત ગ્રાન્ટ અને વ્યાજની રકમનું જિલ્લા કક્ષાનું આયોજન મંજૂર કરવું, 15મા નાણાપંચના સુધારા આયોજનને બહાલી આપવી, મહિલા અને બાળ વિકાસ સમિતિના સભ્યોના પ્રવાસ ભથ્થાને સરભર કરવું, રેતી-કાંકરી ગ્રાન્ટ અને સ્વભંડોળના કામોમાં ફેરફાર કરવા, ત્રિભુવન સહકારી યુનિવર્સિટીને ફાળવેલ જમીનને વેરામુક્તિ આપવી અને લોકલ ફંડ શેષની વસૂલાતની મુદત વધારવા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. આ તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.

Advertisement