આગામી ૩ કલાક ગુજરાત માટે અતિભારે વરસાદની આગાહી, 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, જાણો ક્યાં-ક્યાં તૂટી પડશે વરસાદ ?
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ખાસ કરીને 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે, જ્યારે અન્ય વિસ્તારો માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સૂચના મુજબ લોકોએ મહત્વપૂર્ણ પગલાં લેવા અને આપત્તિ પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલ જિલ્લાઓમાં બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ભાવનગર, સુરેન્દ્રનગર, બરોડા, છોટા ઉદેપુર, પંચમહાલ, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી અને ભરૂચનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં સામાન્ય કરતા વધુ ભારે વરસાદ સાથે જ તીવ્ર પવનની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
આ સાથે જામનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યેલો એલર્ટ હેઠળ સામાન્ય ભારે વરસાદ અને પવનની શક્યતા છે.
હવામાન વિભાગના નિવેદન મુજબ, આવનારા ત્રણ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ અસાધારણ રહી શકે છે. રાષ્ટ્રીય અને સ્થાનિક માર્ગ પરિસ્થિતિઓ પર અસર પડવાની શક્યતા છે તેથી યાત્રાઓ દરમિયાન પરિબળોની તપાસ અને જરૂરી સુરક્ષા પગલાં લેવાં મહત્વપૂર્ણ છે.