અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીની આત્મહત્યા, કારણ અકબંધ
અમદાવાદ : સાબરમતી વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ જેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે જેલમાં બંધ એક કેદીએ બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. કેદીની ધરપકડને માત્ર 9 દિવસ જ થયા હતા. બનાવની જાણ થતાં જ જેલ તંત્ર અને પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો.
8 જાન્યુઆરીએ વિરમગામ પોલીસે કરી હતી ધરપકડ
માહિતી મુજબ મૃતક કેદીની ધરપકડ વિરમગામ પોલીસે 8 જાન્યુઆરીના રોજ ચોરીના ગુનામાં કરી હતી. ધરપકડ બાદ તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. જેલમાં 9 દિવસ પૂર્ણ થવા પહેલાં જ તેણે આઘાતજનક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
બાથરૂમમાં પાઘડી વડે આપઘાત
આત્મહત્યા કરનાર કેદીની ઓળખ નિશાન સિંહ (ઉં.વ. 31) તરીકે થઈ છે. તે મૂળ પંજાબનો રહેવાસી હતો અને કાચા કામનો કેદી હોવાનું જાણવા મળ્યું છે. વિગતો મુજબ નિશાન સિંહે શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર-4માં આવેલા બાથરૂમમાં પોતાની પાઘડી ઉતારી તેના કાપડના સહારે ગળે ફાંસો ખાઈ લીધો હતો.
જેલ સ્ટાફને ઘટનાની જાણ થાય તે પહેલાં જ કેદીનું મોત થઈ ચૂક્યું હતું. તાત્કાલિક બોલાવવામાં આવેલા ડૉક્ટરો દ્વારા તપાસ કરતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આત્મહત્યાનું કારણ રહસ્યમાં
નિશાન સિંહ સામે વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો હતો. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી આવી નથી.
રાણીપ પોલીસે નોંધ કરી તપાસ શરૂ
બનાવ અંગે રાણીપ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેલમાં કેદીની આત્મહત્યાની ઘટનાએ જેલ સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે.